19.5.20

રાજ ગોસ્વામી : Morning Musings

Morning Musings...

by

Raj Goswami

https://www.facebook.com/raj.goswami.31/about?lst=100000072233188%3A100001210570216%3A1589896065



કોરોનાવાઇરસના ચેપમાં Herd immunity કામ કરે છે કે નહીં, તે તો ખબર નથી, પરંતુ Herd mentalityમાં ચેપ જરૂર કામ કરે છે. વિચારોની ખાંસી આવે એ ખરાબ નથી, પણ તમે ઝુંડમાં હો, તો મ્હોઢુ કવર કરી લેવું. અમુક વિચારો અચ્છા બેક્ટેરિયા જેવા હોય છે, અમુક વિચારો ખરાબ બેક્ટેરિયા જેવા હોય છે, જે સાધારણ ઉપચારથી મટી જાય છે, પણ અમુક વિચારો કોરોના જેવા હોય છે, જે મહામારીનું રૂપ ધારણ કરી લે છે. તમે જો (દાખલા તરીકે ફેસબુક પર) કોઈ ઝુંડના વિચારોના સંપર્કમાં આવો, તો સેનિટાઈઝરથી ખુદના મગજને સાફ કરી દેવું. બને ત્યાં સુધી તો ઝુંડથી આઈસોલેશનમાં રહેવું.

 

 

 

 

લોકડાઉનના સમયમાં, જ્યારે તમને લોકોની ભીડમાં ખોવાઈ જવાનો મોકો નથી મળતો, અને તમે સતત જાત સાથે એકલા છો, ત્યારે એ પૂછવા જેવું છે કે તમને તમારા વિષે કોઈ નવો પરિચય થયો? આમ તો આપણે દુનિયા આખીને સલાહ આપતા રહીએ છીએ અને આપણી આજુબાજુના લોકોને તેમના કરતાં બહેતર રીતે જાણવાનો દાવો કરીએ છીએ, પરંતુ આપણી અંદર પણ ત્રુટીઓ, બદમાશીઓ, વિકૃતિઓ, જૂઠ, ગલતફહેમીઓ ઓછી નથી. આપણે આપણી એ હકીકતોને 'મારી પાસે ટાઈમ જ ક્યાં છે!' અથવા 'હું બીજાઓમાંથી નવરો જ ક્યાં પડું છું' જેવી વ્યસ્તતાઓમાં છુપાવી રાખીએ છીએ. આપણે કામમાં અને લોકોમાં ખોવાયેલા જ એટલા માટે રહીએ છીએ, જેથી જાતની અસલિયત સાથે પનારો ના પડે. કશું કર્યા વગર, નિષ્ક્રિય બનીને ખુદના જ વિચારો સાથે જીવવું ઘણું પીડાયાયક છે, અને એટલે આપણે ખુદથી મ્હો છુપાવતા ફરીએ છીએ. આશા છે કે તમને આ એકલતામાં ખુદના ખુબસુરત ભ્રમ જાણવા મળે.



 સ્પષ્ટ રીતે વિચારવાની અવસ્થાના 7 સંકેત:
1. લાગણીસભર સ્થિતિમાં અનાસક્ત ભાવ હોય
2. મગજમાં બોલ-બોલ ના કરતા હોઈએ.
3. સંપૂર્ણપણે સજાગ વ્યવહાર. ઓટોમેટિક કશું જ ના થાય.
4. વાંચવું અને લખવું, એ ટીવી જોવા જેટલું સરળ રૂટિન હોય
5. વાતો, વિચારો અને કામમાં ક્રિએટિવિટી હોય
6. કોઈ નવી શરૂઆત કરવાનો ડર ના હોય
7. એકલતા અને મૌનનું મહત્વ ખબર હોય




તમારી આજુબાજુમાં જો અસલામત લોકો હોય,  
તો તેમને તમારી નબળાઈઓમાં વિશેષ રસ પડે,  
કારણ કે તમારી ભૂલો બતાવીને તેમની અસલામતીને ઢાંકવાનું તેમને આસાન રહે.
તમારી ઉઠબેસ જો સફળ લોકો સાથે હોય,  
તો તેઓ તેમના અનુભવ અને આત્મવિશ્વાસના આધારે તમારી તાકાતને ઉત્તેજિત કરે.
બંને પ્રકારના લોકો તમને તેમના લેવલ પર લઈ જશે. 
અસલામત વ્યક્તિ તમને તેનાથી ઉપર સહન ના કરી શકે 
અને આત્મવિશ્વાસથી ભરેલી વ્યક્તિને તમે ઉપર આવો તે ગમે.
આ જાણવાની સાદી રીત એ છે કે 
બીજી વ્યક્તિ તમારી નાની-નાની વાતો અને વિચારોની ગુણવત્તામાં 
ઉમેરો કરે છે કે ગુણવત્તા ઓછી કરે છે, તે જો જો. 
કોઈની ઉપસ્થિતિ તમને બહેતર બનાવે છે કે બદતર
તે બીજી વ્યક્તિને ઓળખવાનો શ્રેષ્ઠ માપદંડ છે.






મોટાભાગના લોકોને બહુ સારી રીતે ખબર હોય છે કે 
તેમને શું કરવું છે. 
તેમને માત્ર એક જ પ્રશ્નનો ઉત્તર શોધવાનો બાકી હોય છે
'હું કેમ કરતો નથી?' 
મોટાભાગના કિસ્સામાં તમે તે નથી કરતા તેનું 
એક જ કારણ હોય છે;  
ડર.
'મને ખબર છે કે મારે કસરત કરવી છે, પણ છેલ્લે કરી ત્યારે બહુ દુઃખ્યું હતું.'
'નોકરી છોડીને બીજું કઈંક કરવું છે, પણ કરકસર કરવાનું આકરું પડે છે.'
'મારે પ્રેમ કરવો છે, પણ એમાં દુઃખી થવાય તો?'
કશું કરવાથી નિષ્ફળ જવાય કે અસ્વીકાર થાય, તે ડરને ઓછો કરી નાખીએ,  
તો એવું કશું જ નથી, જે તમે કરી ના શકો. 
આપણી આખી જિંદગી ડરમાં જ જીવાય છે. 
મીના કુમારીએ ફરિયાદ કરી હતી:
ના હાથ પકડ સકે ના પકડ સકે દામન
બડે કરીબ સે કોઈ ઉઠ કે ચલા ગયા
વસ્તુ અને વ્યક્તિ, બંને માટે આ આ સાચું છે.



શ્રેષ્ઠ સંબંધ એ છે,  
જ્યાં બંને વ્યક્તિ એકબીજાની સાથે સુખેથી એકલાં રહી શકે. 
જે લોકો એકલા રહેવા સક્ષમ છે,  
તે જ બીજી વ્યક્તિના પરાધિન કે આદી થાય વગર તેને પ્રેમ કરવા સક્ષમ હોય છે.

"તારા વગર હું મજામાં છું, પણ તારી સાથે આનંદ આવે છે" 
અને 
"તારા વગર હું દુઃખી છું, મને તારી જરૂર છે" 
આ બે વાકયોમાં સંબંધની ગુણવત્તા નક્કી થાય છે. 
એકમાં તમે સાથે રહીને એકલા હો છો,  
બીજામાં તમે સાથે રહીને એકાકી હો છો.





આપણને સુખ આપે તે રીતે જીવવાની આડે 
હંમેશા બે જ લાગણીઓ આવતી હોય છે;  
ડર અને ઉચાટ. 
સુખનો આધાર બે સવાલોના જવાબમાં છે
'શા માટે?' અને 'શા માટે નહીં?'  
જીવનમાં બદલાવ ત્યારે જ આવે, જ્યારે તમને એ ખબર પડે 
કે તમે જે કરો છો, તે શા માટે કરો છો 
અને જે નથી કરતા, તે શા માટે નથી કરતા,  
પણ આપણે આવા સવાલો ટાળીએ છીએ,  
કારણ કે મોટાભાગે આપણે પેટર્નમાં જીવીએ છીએ
આદતથી જીવીએ છીએ,  
કમ્ફર્ટમાં જીવીએ છીએ. 
મોટાભાગના લોકોને એ ખબર હોય છે કે તેમનું સુખ શેમાં છે,  
પણ તેને હાંસલ કરવાનું સાહસ નથી હોતું,  
કારણ કે તેના માટે હાલની પેટર્ન સામે સવાલ કરવો પડે,  
જે ઉચાટ પેદા કરે છે,  
અને નવી સ્થિતિને આવકારવી પડે,  
જેનો ડર લાગે છે. 






ઉશ્કેરાઇ જવું અને પ્રતિક્રિયા આપવી, તે ગુલામીની અવસ્થા છે,  
કારણ કે તેમાં બીજી વ્યક્તિ કે પરિસ્થિતિ તમને કંટ્રોલ કરે છે. 
છતાં, બંને વચ્ચે એમાં એક ખાલી જગ્યા હોય છે. 
એ જગ્યામાં પ્રતિક્રિયા નહીં આપવાની મારી આઝાદી છે.
'મેં તો કચકચાવીને તેને સંભળાવી દીધું,' એ મારી કેદ છે.
'મને થયું, કશું ના કહીએ તોય ચાલે,' એ મારી આઝાદી છે.
જે પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં ના હોય,  
તેની ઉપેક્ષા કરવી, એ અસલી અક્કલમંદી છે.





દુઃખી થવાના દસ ઉપાયો:
1. 'મને કોઈ સમજતું નથી' એવું મનમાં જ બોલતા રહેવું.
2. શરીરને બને એટલી ઓછી તકલીફ આપવી.
3. દરેક વ્યક્તિ અને વસ્તુની ફરિયાદ કરતા રહેવું.
4. તમને પંપાળે એવા લોકો વચ્ચે જ રહેવું
5. બીજા સાથે સરખામણી કરતા રહેવું.
6. અપેક્ષાઓ રાખવી, આપવું કશું નહીં.
7. બીજાઓને ઈમ્પ્રેસ કરવા નકલી બની જવું
8. ડિનાયલમાં રહેવું, કશું સ્વીકારવું નહીં
9. બીજાઓ માટે ખૂબ જજમેન્ટ રાખવા
10. 'મારા જેવું કોઈ નથી' તેને જીવનસૂત્ર બનાવવુ
 



ફાઈટ ક્લબ ફિલ્મમાં એક સંવાદ છે: this is your life and it's ending one minute at a time. એનો અર્થ એ છે કે જીવન મર્યાદિત છે, અને આપણે એને વેડફી નાખીએ છીએ. આપણે કેમ જન્મ્યા અને કેમ મરી ગયા, એ ખબર જ નથી પડતી. અધૂરી ઈચ્છાઓ અને પસ્તાવાની આખી ચોપડી છે, અને સંતોષ આંગળીને વેઢે ગણાય તેટલા છે. તમે ટેલિવિઝન પર જાહેરખબરો જોવા પેદા થયા હતા? ફેસબૂક પર હોશિયારી બતાવવા અને ડિપ્રેસ થવા પેદા થયા હતા? આંધળી ભક્તિમાં વોટ આપવા જન્મ્યા હતા? સેલિબ્રિટીઓ સાથે સેલ્ફીઓ પાડીને સેલિબ્રિટી હોવાનો ભ્રમ પોષવા જન્મ્યા હતા? ક્યારે સાર્થક કામ કરશો? ક્યારે જીવન વિશે ગહેરાઈથી વિચારશો? ક્યારે બહેતર સંબંધનો અનુભવ કરશો? શાંતિ અને સંતોષનો અહેસાસ ક્યારે કરશો?આવતીકાલે? ક્યારેય માથું ઊંચું કરીને જોયું છે કે દુનિયા કેટલી ઝડપથી પસાર થઈ રહી છે અને તમારી આવતીકાલ હજુ ય આવી નથી? એક બીજી ફિલ્મ, The Shawshank Redemptionના એક સંવાદમાં આ આખી વાતનો સાર હતો: Get busy living, or get busy dying. 







મોટાભાગના લોકોને ચુપચાપ રહેવાથી, એકલા બેસી રહેવાથી ખંજવાળ ઉપડે છે. 
આપણે ખુદનું મૌન સહન નથી કરી શકતા. 
આપણને આપણા જ ખાલીપણાની બીક લાગે છે. 
આપણે આપણાથી ભાગી છૂટવા તરફડીયાં મારીએ છે. 
આપણને જ્યાં સુધી તમાશો ના થાય, ઘોંટાઘોંટ ના થાય,  
લાગણીઓ અને વિચારોનું કેથાર્સિસ ના થાય, ત્યાં સુધી ચેન નથી પડતું. 
કશું ના હોય, તો આપણે તમાશો ઉભો કરીએ છીએ. 
આપણે જીવતા હોવાના અહેસાસ માટે પ્રોબ્લેમ્સ પણ ઉભા કરીએ છીએ. 
શાંતિ આપણને કંટાળો આપે છે. 
આપણે આખી દુનિયા સાથે કનેક્ટેડ છીએ, સિવાય જાત સાથે. 
"મેં અપની સબ સે ફેવરિટ હું" એવા રોમેન્ટિસિઝમમાં જો દમ હોય,  
તો જાત સાથે રહી જો જો. ગાંડા થઈ જવાશે.






 
ગમે તેટલી બુદ્ધિશાળી વ્યક્તિ પણ 
એક સીધી રેખામાં વિચાર કરવાની વૃત્તિનો ભોગ બનતી હોય છે. 
મગજની આ (સારી કે ખરાબ) ખાસિયત છે કે, જેમ ખેતરમાં ચાસ પડે તેમ
વિચારોના જે ચાસ પડ્યા હોય, તેની પર જ મગજ ચાલે. 
એમાં વચ્ચે કોઈ જંકશન ના આવે, કોઈ સર્વિસ રોડ ના આવે,  
કોઈ વળાંક ના આવે, કોઈ શોર્ટ કટ ના આવે. 
આપણે જેને 'પીન ચોંટી ગઈ' કહીએ છીએ, તેવી રીતે 
બહુ બધી બુદ્ધિવાળી અને સમજણવાળી વ્યક્તિ પણ 
એણે બનાવેલી વિચારોની ટનેલમાંથી જ બધુ જુવે
અને તેને જ અંતિમ સચ્ચાઈ માની લે. 
આમાંથી બચવાનો ઉપાય ડહાપણ અથવા વિવેકબુદ્ધિ છે. 
બુદ્ધિ સીમિત કરે. વિવેકબુદ્ધિ વિહંગાવલોકન આપે. 
બુદ્ધિ ચાસ પાડે. વિવેકબુદ્ધિ આકાશ આપે.






કલ્પનાશીલતા અને સર્જનશીલતા બંનેમાં ફરક છે. 
કલ્પના એટલે વિચાર,  
અને સર્જન એટલે તે વિચારનો સફળતાપૂર્વક અમલ. 
સર્જન અનુશાસન છે, પ્રેરણા નહીં. 
બહુ બધા લોકોને બહુ બધા ખયાલો આવે,  
પણ એને સાકાર બહુ ઓછા કરતા હોય છે. 
જે કલ્પના બીજી વ્યક્તિના જીવન સુધી પહોંચીને ઉપયોગી ના નીવડે,  
તેને ખુદના મનનો તુક્કો કહેવાય, સર્જન નહીં. 
સાધારણ લાગતી કલ્પના પણ તેના ઉત્તમ અમલથી અદભૂત સાબિત થાય,  
અને શાનદાર કલ્પના તેના અમલ વગર સાધારણ જ કહેવાય.

 

1 ટિપ્પણી:

THE ALGARI કહ્યું...

sir glad to see you on google, dear sir i'm just started a blogging and it's make smile on your face that i'm writting using name algari...