ઘડપણ કેણે મોકલ્યું ?’
ચી. ના. પટેલ
(ચીમનલાલ નારણદાસ પટેલ)
'આત્મ ચરીત્રાત્મક નિબંધ સંચય ' પુસ્તકમાંથી
ઘડપણ કેણે મોકલ્યું ?' નામનું કાવ્ય આપણા આદિ ભક્તકવિ નરસિંહ મહેતાએ લખેલું હોવાનું મનાયું છે. તેમાં તેમણે વૃદ્ધાવસ્થાની લાચાર દશાનું જરા રમૂજી ચિત્ર દોર્યું છે, અને ઉપદેશ આપ્યો છે કે બધાને એવું ઘડપણ આવવાનું છે, માટે અહંકાર ત્યજી ધર્મનો આશ્રય લો અને ભવસાગર તરી જાઓ. શ્રદ્ધાળુને આવો ઉપદેશ ગમી જાય છે, પણ ધર્મશ્રદ્ધાના દૃઢ સંસ્કાર વિનાના મારા મનને તેનો અણગમો છે. શાળામાં સંસ્કૃત ભણતાં શંકરાચાર્યે રચેલા મનાતા ભજ ગોવિંદમના શ્લોક વાંચ્યા હતા. તેમાં પણ વૃદ્ધાવસ્થામાં શરીરની વિરૂપતાનું ચિત્ર હતું, અને તે શ્લોક મને બિલકુલ નહોતા ગમ્યા.
મને થાય છે, સામાન્ય લોકોને ઘડપણની બીક લાગે તે સમજી શકાય, પણ નરસિંહ મહેતા જેવા ભક્ત-શિરોમણિને કે શંકરાચાર્ય જેવા અદ્વૈતજ્ઞાનીને પણ એવો ભય થાય ? નરસિંહને શ્રીકૃષ્ણનું સાક્ષાત્ દર્શન થયું હોવાનું મનાય છે, અને શંકરાચાર્યને માયાની નાશવંત સૃષ્ટિની પાછળ રહેલા અનાદિ, અનંત અવિનાશી બ્રહ્મતત્ત્વનું જ્ઞાન થયું હતું. એવા ભક્ત ને એવા જ્ઞાની, યુવાની ને વૃદ્ધાવસ્થા વચ્ચે ભેદ અનુભવે ? એમ માનીએ કે એમને પોતાને એવો ભય નહોતો થયો, પણ સંસારીઓને વૈરાગ્યનો ઉપદેશ આપવા એમણે ઘડપણની નિર્બળતા ને વિરૂપતાનું એવું ચિત્ર દોર્યું. તો એવી રીતે ભયથી કેળવાયેલો વૈરાગ્ય સાચો વૈરાગ્ય ગણાય ? એવો વૈરાગ્ય કેટલી ટકે ? એમાંથી સાચી ઈશ્વરભક્તિ પ્રગટે ?
એ જે હો તે, મને પોતાને ઘડપણ આવ્યું તે પહેલાં તે આવશે એવી બીક ક્યારેય લાગી નહોતી, અને આજે આવ્યું છે ત્યારે પણ એનો જરાય રંજ નથી. ઉંમર પાંસઠ છે, પણ છેલ્લાં અઢાર વર્ષથી શરીરમાં ઘડપણની નિર્બળતા આવી ગઈ છે. પહેલી વાર જોનારને એંશી ઉપર ઉંમર લાગે. ખાવાપીવાની ખૂબ તકલીફ છે. લાકડી વિના ક્યાંય ઘર બહાર જઈ શકાતું નથી. ચાલતાં શરીર ડોલે છે. એક દિવસ કોઈ અમેરિકન મિત્રની સાથે રસ્તા ઉપર ચાલતાં મને એમ ડોલતો જોઈને એ અમેરિકનને લાગ્યું હતું કે મને કંઈ થતું હશે. તેણે પૂછ્યું, 'મિ. પટેલ, તમારું શરીર સારું નથી લાગતું, ઘેર મૂકી જાઉં ?' બસમાં બેસું છું ત્યારે કોઈ કોઈ ભાઈબહેનો મારી સામે જોઈ રહે છે, શું વિચારતાં હશે? પણ શરીરની એવી સ્થિતિ છે તોય હજુ જીવવાનો કંટાળો નથી આવતો. મરણની બીક નથી લાગતી, જ્યારે આવે ત્યારે જવા તૈયાર છું, પણ જવાની ઉતાવળ નથી. હું જ્ઞાની કે ભક્ત કે યોગી નથી, છતાં મન આમ શરીરથી સ્વતંત્ર થઈ ગયું છે. વિચાર આવે છે, આનું શું કારણ હશે ?
કોઈ મિત્રો કહે છે કે એ મારા અસાધારણ સંકલ્પબળની સિદ્ધિ છે. પણ તે સત્ય નથી. જિંદગીમાં મેં દૃઢ મનોબળથી કંઈ કર્યું નથી. મેં ક્યારેય કોઈ વાત કે નિયમ પાળવાનો પ્રયત્ન નથી કર્યો. શરીરને અનુકૂળ ન હોય એવી વસ્તુઓ સામાન્ય રીતે ખાતોપીતો નથી, પરંતુ તે માટે પ્રયત્નપૂર્વક સંયમ રાખવાની જરૂર નથી પડતી; ઊલટું, કોઈ વાર મન થઈ જાય તો એવી ચીજવસ્તુ ખાઈ કે પી લઉં છું, અને પરિણામે તકલીફ પડે તે સહન કરી લઉં છું. દારૂમાંસ વિશે સામાન્ય હિંદુ સંસ્કારની મર્યાદા પાળી છે, પણ તે સ્વાભાવિક રીતે જ, તેને માટે પ્રયત્ન નથી કરવો પડ્યો. કૉલેજમાં અભ્યાસ કરતો ત્યારે હૉસ્ટેલમાં મારો રૂમસાથી એક પારસી વિદ્યાર્થી હતો. બહુ સરળ સ્વભાવનો તે સજ્જન હતો. તે પોતે એવું ખાતો કે પીતો. મને તેની ન સૂગ થતી કે ન તેની સાથે જોડાવાની લાલચ થતી. કૉલેજમાં પહેરવેશ એ સમયની રીત પ્રમાણે અધકચરો દેશી રાખતો - લેંઘો, ખમીસ ને હાફકોટ, પણ એવા વેશમાં રસથી દરરોજ એક-બે કલાક ટેનિસ રમતો, ઇચ્છા થાય ત્યારે સિનેમા જોવા જતો, ક્યારેક દર અઠવાડિયે. અંગ્રેજી ચિત્રો પણ જોતો. પત્તાંની રમતમાં બ્રિજ શીખવાનો પ્રયત્ન કરેલો પણ પૈસા સાથે રમવાની ક્યારેય લાલચ નહોતી થઈ. અભ્યાસમાં નિયમિત રહેતો, પણ તેનો માથા ઉપર કશો ભાર ન રહેતો. બેત્રણ પ્રસંગોએ વાર્ષિક પરીક્ષાના બે દિવસ અગાઉ જ સિનેમા જોવા ગયેલો. એમ.એ.ની પરીક્ષા આપવા મુંબઈ ગયો હતો ત્યારે એલ્ફિન્સ્ટન કૉલેજની હૉસ્ટેલમાં રહેતો. પરીક્ષાના દિવસો દરમિયાન સવારસાંજ કશું વાંચતો નહિ, એટલે બાજુની રૂમમાં કર્ણાટકથી પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીઓ રહેલા તેમને લાગેલું કે મને પરીક્ષામાં પાસ થવાની કંઈ ઉત્સુકતા નહોતી.
એટલે વૃદ્ધાવસ્થાની નિર્બળતામાં હું પ્રમાણમાં માનસિક સ્વસ્થતા ભોગવું છું તેનું કારણ મારામાં સંકલ્પબળની વિશેષતા છે એમ નથી. તો શું હશે ? વિચાર કરતાં મને લાગે છે કે મારામાં બાળક-સ્વભાવનું એક સારું લક્ષણ રહ્યું છે. એટલે કે, સાદી ભાષામાં, હું બાળક જેવો છું, અને ઘરડો થયો છે તોય એવો જ રહ્યો છું. (અંગ્રેજીમાં ઘડપણને બીજું બાળપણ કહે છે, પણ એ અર્થમાં નહિ.) બાળક-સ્વભાવનું સારું લક્ષણ એ છે કે બાળક પોતાના રસની વસ્તુને આગ્રહપૂર્વક વળગી રહેતું નથી. એક રમકડું ન મળે કે ખોવાઈ જાય કે ભાંગી જાય તો થોડી વાર રડે, પણ પછી બીજું મળે એટલે પહેલું ભૂલી જાય. મારા સ્વભાવમાં પણ એવું કંઈક છે. ગમી ગયેલી કોઈ વસ્તુ જાય, તો તેનું દુઃખ થાય, પણ પછી બીજી વસ્તુના રસમાં હું એ દુઃખ ભૂલી જાઉં છું. પરિણામ એ આવ્યું છે કે સમયના પ્રવાહની સાથે મારામાં નવા રસ જાગ્રત થતા રહ્યા છે, અને આજ સુધી એ ચાલુ રહ્યું છે.
ત્રીસેક વર્ષ ઉપર હું ગુજરાત કૉલેજમાં અંગ્રેજીનો અધ્યાપક હતો ત્યારે મનનો સંકલ્પ હતો કે શિક્ષણક્ષેત્ર નથી છોડવું. ગુજરાત કૉલેજ નથી છોડવી, અને અમદાવાદ નથી છોડવું. પણ પ્રસંગ આવ્યે મેં ત્રણે રાજીખુશીથી છોડ્યાં અને દિલ્હીમાં 'ક્લેક્ટેડ વર્કસ ઑવ મહાત્મા ગાંધી' ની યોજનામાં ગાંધીજીનાં ગુજરાતી લખાણોનો અંગ્રેજીમાં અનુવાદ કરવા જોડાયો. કોઈ પણ અધ્યાપકને દરરોજ માત્ર અનુવાદનું જ કામ કરવાનું નીરસ લાગે. પણ થોડા જ સમયમાં ગાંધીજીમાં મને રસ પડવા માંડ્યો. શેક્સ્પિયર ને શૈલીની આસક્તિ છોડી હું ગાંધીજી પ્રત્યે કેવી રીતે આકર્ષાયો એ સાહિત્યનો કોઈ અભ્યાસી સહેલાઈથી નહિ સમજી શકે. પણ તે બન્યું, અને હું ગાંધીરસમાં ડૂબી ગયો. પણ તે એવી રીતે નહિ કે મારા બીજ રસ સુકાઈ જાય. ગાંધીજીનું કામ કરતાંયે મૂળ સંસ્કૃતમાં વાલ્મીકિ રામાયણ વાંચ્યું અને મારી કલ્પનાસૃષ્ટિમાં એક નવો રસપ્રવાહ વહેતો થયો.
ચારેક વર્ષ દિલ્હીમાં રહ્યા પછી માંદો પડ્યો એટલે અમારા ચીફ એડિટરે સદ્ભાવથી મારી બદલી અમદાવાદ કરાવી આપી. અમદાવાદમાં ત્રણેક વર્ષ પથારીવશ રહ્યો, પણ પથારીમાં પડ્યા પડ્યા વિના કષ્ટએ અનુવાદનું કામ કરતો રહ્યો એટલે નોકરી ચાલુ રહી. ક્યાંય બહાર જવા-આવવાનું ન બનતું તેથી કંટાળો અનુભવવાને બદલે બચતા સમયમાં મેં ગુજરાતી વાંચવાનું શરૂ કર્યું. 'સરસ્વતીચંદ્ર'ના ચારેય ભાગ સળંગ વાંચ્યા. પછી 'દર્શક'ની પ્રસિદ્ધ નવલકથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી' વાંચી અને તે ઉપર લખવાનું મન થતાં ‘સંસ્કૃતિ' માં લેખ લખી મોકલ્યો તે શ્રી ઉમાશંકરે છાપ્યો. એટલે ગુજરાતીમાં વધુ લખવાનું મન થયું. મને મારા પ્રવૃત્તિરસને એક નવું ક્ષેત્ર મળી ગયું. બેત્રણ વર્ષ પછી સાહિત્યરસને વધુ તૃપ્ત કરે એવો બીજો, સંગીતરસ, જાગ્રત થયો. એમ તો એ રસ જૂનો હતો. શાળામાં કવિતાપાઠ માટે હંમેશાં માત્ર ત્રણ જ ગુણ મળતા, પણ કૉલેજમાં જઈ સિનેમા જોતો થયો એટલે કલકત્તાની ન્યૂ થિયેટર્સ કંપનીનાં અને પૂનાની પ્રભાત કંપનીનાં ચિત્રોમાં ગીતો આવતાં તેમાં ખૂબ રસ પડવા માંડ્યો. વર્ષો પછી રેડિયો ખરીદ્યો. તેણે કાનને શાસ્ત્રીય સંગીતનો રસ લગાડ્યો. દસેક વર્ષ ઉપર એ ૨સ વધુ તીવ્ર બન્યો. પુત્રી સાથે અમદાવાદનાં જુદાં જુદાં સંગીતમંડળોનો સભ્ય થયો અને રાત્રે ઉજાગરા કરીને એમના કાર્યક્રમોમાં હાજરી આપવા લાગ્યો. છેલ્લાં બે વર્ષથી શરીરની નિર્બળતાને કારણે તે બંધ થયું છે. પણ દરરોજ સરેરાશ બે કલાક રેડિયો ઉપર શાસ્ત્રીય સંગીત સાંભળું છું.
સાહિત્ય ને સંગીતના કળારસ વધવાની સાથે માનવસંબંધોનો જૂનો રસ એટલા જ પ્રમાણમાં ચાલુ રહ્યો છે. મિત્રોમાં હળવામળવાનું મને એટલું ગમતું કે ગુજરાત કૉલેજમાં હતો તે વર્ષો દરમિયાન તેમાંના કોઈના ઘરે પાર્ટી જેવું હોય ત્યારે, હું કંઈ ખાઈ શકતો નહોતો તોપણ, તેઓ આગ્રહ કરીને મને બોલાવતા. હું જઈને તેમની સાથે ટેબલ ઉપર બેસી માત્ર ચા પીતો, પણ તેમની વાતોમાં પૂરા રસથી ભળતો. એમ પણ કહી શકું કે મારી હાજરીના કારણે જ વાતો સારી જામતી. આજે પણ જૂના કે નવા મિત્રોમાંથી કોઈ મળવા આવે છે, કે હું તેમને મળવા જોઉં છું, ત્યારે તેમની સાથે વાતો કરવામાં કેટલો સમય જાય છે તેનું ધ્યાન નથી રહેતું. મિત્રોની જેમ ઘરમાં પૌત્ર-પુત્રી પણ મારા જીવનરસને વહેતો રાખવામાં સારો ફાળો આપી રહ્યાં છે. છેલ્લાં સાત વર્ષથી તેમની સાથે પહેલાં પૌત્રી ને પછી પૌત્ર સાથે રમવામાં, વાતો કરવામાં, લડવા-ઝઘડવામાં, તેમને ફરવા લઈ જવામાં, દરરોજના બેત્રણ કલાક ગયા છે. હવે તે મારાથી જરા છૂટાં થયાં છે, પણ હજુ તેમણે દાદાને તેમની માયામાંથી મુક્ત કર્યા નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો