29.3.23

સંગીતપ્રેમી 'ફેવિકોલ' (તારક મહેતા)




દસ વર્ષ પહેલાં એણે પહેલી વાર ફોન કરેલો. ‘હલ્લો.... તારકભાઈ?'
’જી‘
'હું પ્રબોધ... ઇન્દુબહેન મને ઓળખે. મારાં સરિતામામીનાં બહેન થાય. તારકભાઈ, હું તમારો ફેન છું. તમને યાદ હોય તો મેં તમને કાગળ લખેલો, અમદાવાદ આવો તો મળજો. વિનોદે તમને કહ્યું નથી?’

‘કોણ વિનોદ?’
‘વિનોદ ભટ્ટ.... તમારા ફ્રેન્ડ. કાલે એ પણ તમને મળશે.’
‘ક્યાં?’
‘આપણે ધેર. કાલે ખાસ તમારે આવવાનું છે - ઇન્દુબહેનની સાથે. કાલે આપણી વરસગાંઠ છે. દર વરસની પેઠે. જલસો. દિલીપભાઈ પણ ગાવાના છે.’
‘દિલીપભાઈ?’
‘આંખનો અફીણીવાળા. આપણા ખાસ, હોં! રજનીકુમાર તો સામેથી ફોન કરીને કહી દે છે, પ્રબોધ, હું આવવાનો છું. પ્રિયકાંત પરીખ, રતિલાલ બોરીસાગર, અશોક દવે.... બકુલભાઈ અમેરિકા ગયા છે નહીં તો એ તો હોય જ. આપણને સંગીતનો, સાહિત્યનો બહુ શોખ. એ તો કાલે સાંજે તમે આવશો ત્યારે તમને મારી કેસેટોનું કલેકશન દેખાડીશ. જમવાનું આપણે ત્યાં જ છે. સાત વાગે આવી જજો.’

‘ક્યાં પણ?’
પ્રબોધે મને એના ફલેટનું સરનામું લખાવ્યું. ફોન ઉપર એ જેટલાં નામો બોલી ગયો એમાંના કોઈને મેં ફોન કરીને પૂછ્યું નહીં. બધા બીજે દિવસે મળવાના જ હતા ને! પત્નીને ખબર નહોતી કે બનેવીના ભાણાને આવા બધા શોખ છે અને આવા નામાંકિત મિત્રો છે.

બીજે દિવસે રિક્ષા કરી મારા સ્વભાવ પ્રમાણે સાતના ટકોરે સજોડે અમે પહોંચી ગયાં. પ્રબોધે ઘોઘરા ઘાંટે ‘આવો... આવો.... તારકભાઈ, આવો.. ઇન્દુબહેન.’ અવાજો કરી આખું બિલ્ડિંગ ગજવી મૂક્યું.‘દિલીપભાઈ તો મુંબઈ ગયા છે પણ બીજા બધા આવતા જ હશે. બધાને કહી દીધું છે, તારકભાઈ આવવાના છે. ત્યાં સુધી આપણે કેસેટો સાંભળીએ. બેસો.’
દીવાનખાનામાં એણે ફર્નિચર ખસેડી શેતંરજીઓ પાથરી હતી.

‘આ મારી ફેવરિટ કેસેટ છે. એક વાર રફીસાહેબની બર્થ-ડેના દિવસે હું મુંબઈમાં હતો. એવો ચાન્સ હું છોડું? પહોંચી ગયો એમને બંગલે ફૂલનો ગુરછો લઈને. એમનાં બધાં સોંગ્ઝ મેં યાદ કરાવ્યાં. એ તો એવા ખુશ થઈ ગયા, મને ભેટી પડયા. મને કહે, ફેમિલી સાથે જમીને જ જવાનું છે. પછી તો એમણે દિલથી મારે માટે એમનાં હોટ સોન્ગ્ઝ ગાયાં. જમ્યા પછી આ કેસેટ ભેટ આપી. રફીસાહેબ જોડે એવી દોસ્તી થઈ ગયેલી, મહિનામાં એકાદ ફોન કરીને પૂછે, પ્રબોધ, બમ્બઈ કબ આતે હો. એક વાર તો એક રેકોર્ડિંગ માટે મને ટિકિટ મોકલી ખાસ બોલાવેલો...’

રફીની કેસેટને બદલે પ્રબોધની ઘોઘરી કેસેટ જ ચાલતી રહી. મિત્ર લેખકો કોઈ ફરકયા નહીં. બધાને એણે રફીની કહાની વારંવાર સંભળાવી હશે અથવા તો કદાચ ‘તારકભાઈ આવવાના છે’ એમ બધાંને ખબર પડી ગઈ એ કારણ હશે. હા, બેચાર સગાં, બેચાર પાડોશીઓ અને અંગત મિત્રો આવ્યા.

જલસા વગરનો જમણવાર પતાવી અમે નાસી આવ્યા. બસ એ દિવસથી એ ફેવિકોલ મને ફોન પર ચીટકે છે. જાહેર કાર્યક્રમોમાં અણધાર્યોપકડે છે અને ઊંચા ઘોઘરા અવાજે ધ્રાસકો પાડે છે.

‘ક્યારનો તમને ખોળતો’તો.’ એક વાર કોઈ નાતીલાનાં બેસણાંમાં બરાડીને મારું ઊઠમણું કરી નાખ્યું. મેં એને કહી દીધું, મને સંગીતમાં જરાય રસ નથી તો પણ રફીસાહેબની દાસ્તાન છોડતો નથી. મને પાકો વહેમ છે કે મોહમ્મદ
રફીના અકાળે અવસાન બદલ પ્રબોધ જ જવાબદાર હશે. કોઈક જાહેર કાર્યક્રમમાં ઘોઘરા ઘાંટે રફીના કાનમાં બોલ્યો હશે, ‘રફીસાહેબ, ક્યારનો તમને જ ખોળું છું.’ બસ, ત્યાં જ ખેલ ખલાસ થઈ ગયો હશે.

મને તો એનો ભય પેસી ગયો છે. એમ તો મને ઘણા ચીટકુઓ મળ્યા છે પણ આવા કર્કશ અવાજવાળો સંગીતપ્રેમી ફેવિકોલ મળ્યો નથી. કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપતાં પહેલાં હું ચારે બાજુ જોઈ લઉં છું. નાતીલાના લગ્નપ્રસંગો અને બેસણાંઓમાં જવાનું ટાળું છું. પત્નીને કહી દીધું છે, તારાં સગાંને તું સંભાળ. એને માટે હું ઘરમાં નથી અને મારા બગીચાનું સરનામું પણ આપતી નહીં. ટીવી પર રફીનું ગીત આવે છે ત્યારે હું ટીવી પણ બંધ કરી દઉં છું. કર્કશ લાગે છે.

બાવાનો બગીચો ,તારક મહેતા






ટિપ્પણીઓ નથી: