30.3.23

અવસાન નોંધની આંટીઘૂંટી— નટવર પંડયા


અવસાન નોંધની આંટીઘૂંટી
— નટવર પંડયા


અમુક લોકો ઉઠતાંવેંત સીધું જ છાપાનું છેલ્લું પાનું પકડે છે. જીવન પ્રત્યેનું તેમનું દર્શન એવું હોય છે કે આપણે પણ છાપાના છેલ્લા પાને ક્યારે છપાઈ જઈશું  એની કશી ખબર  નથી, માટે છેલ્લા પાનાથી જ શરૂઆત શું કામ ન કરવી! 


દરેક કાર્યક્રમમાં હંમેશા પહેલી હરોળમાં જ બેસનાર જ્ઞાનીજનો કહે છે કે છેલ્લું અને પહેલું એ તો મનના કારણ છે. છેલ્લા પાનાથી શરૂઆત કરવાથી અન્ય પાના પરના સમાચારો પ્રત્યે સાક્ષીભાવ સર્જાય છે. અંતથી જ આરંભ કરો તો અંતનો ભય સતાવતો નથી. પછી મોંઘવારીના સમાચારો કે નેતાઓના નિવેદનો મનુષ્યને વિચલિત કરી શકતા નથી. છેલ્લા પાનેથી શરૂ કરવાથી માણસને દરેક દિવસ બોનસ જેવો લાગે છે કારણ કે છાપાનું છેલ્લું પાનું વાંચ્યા પછી તેને તરત જ યાદ આવે કે "ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે." હા એ તો નક્કી જ છે કે 'સવારે સવાર જ થવાનું છે.' પણ પછી શું થવાનું છે તેની કોઈને ખબર નથી.


આજની તારીખે પણ મારે આવી કોઈ અવસાન નોંધ કાળજીપૂર્વક આઠદસ વાર વાંચવી પડે છે,  ત્યારે માંડ ખબર પડે  છે કે આમાં કોનો હંસલો ઉડી ગયો છે !  કારણકે અવસાનનોંધ આ રીતે લખવામાં આવે છે :


" અચરતલાલ કેશવલાલ જોડાવાલા (ઉં. વ. 89), તે કેશવલાલ સાકળચંદ તથા પાર્વતીબેન કેશવલાલના પુત્ર, તે ગોકુલચંદ્ર અચરતલાલ, મથુરચંદ્ર અચરતલાલ વ્રજલાલ અચરતલાલ અને અયોધ્યાદાસ અચરતલાલના પિતા, તે દીપિકાબેન તથા ભામિનીબેનના પિતાશ્રી, તે મનહરલાલ સાંકળચંદ તથા નટવરલાલ સાકળચંદના ભત્રીજા, તે દિનેશચંદ્ર પ્રભુદાસ, વિનોદચંદ્ર પ્રભુદાસ તથા દેવચંદ્ર પ્રભુદાસના કાકા, તે જયંતીલાલ સુખરામભાઈ, ત્રીકમલાલ સુખરામભાઈ, વિશ્રામકુમાર સુખરામભાઈ તથા આનંદલાલ સુખરામભાઈના મોટા બાપુજી, તે હેમચંદ્ર લાલજીભાઈના સસરા, તે વલ્લભદાસ કરસનચંદ્રના જમાઈ ……. તારીખ 10/ 9 /2022 ને ભાદરવા સુદ તેરસને શુક્રવારના રોજ વહેલી સવારે સાડાચાર વાગ્યે કૈલાશવાસી થયા છે. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના. "


આખો લલિતનિબંધ વાંચ્યા પછી મને એ વિચારીને આઘાત લાગે  કે એક સાથે આઠદસ જણ સાગમટે ગુજરી ગયા કે શું!  ફલાણાના પિતા તે ફલાણાના પુત્ર, તે ફલાણાના કાકા, તે ફલાણાના ભત્રીજા, તે ફલાણાના સસરા, તે ફલાણાના જમાઈ વગેરે વગેરે  વાંચતાંવાંચતાં  મૃત્યુઆંક ભયંકર રીતે વધતો જતો હોય એવું લાગે ! મને થાય કે એક સાથે આટલાં બધાં ગુજરી ગયા હોય તો આ સમાચાર  અખબારના પહેલા પાને હોવા જોઈએ, એને બદલે છેક છેલ્લા પાને કેમ ? હકીકતમાં તો 'મનુષ્ય એક સ્વરૂપ અનેક' ના ધોરણે અહીં અચરતલાલને રજૂ કરવામાં આવ્યા હોય છે. જેથી લોકોને ખબર પડે કે અચરતલાલ 
ફક્ત અચરતલાલ જ નહોતા, બીજું ઘણું બધું હતા!

છાપામાં મોટી જગ્યામાં અવસાનનોંધ આપી હોય, સ્વર્ગસ્થનો ફોટો હોય, બાજુમાં બે સળગતી અગરબત્તી હોય અને નીચે નામ લખ્યું હોય તો તો તરત જ ખબર પડી જાય કે ગઈકાલે ગામમાં સીટી બસની જેમ આંટા મારતા  અચરતલાલ  આજે છેલ્લા પાનાની છબી બની ગયા છે. ફૂલ ગયું છે અને ફોરમ જેવું કાંઈ રહ્યું નથી.( બધા જ ફુલમાં કાંઈ ફોરમ ન હોય!)  પણ ઘણા લોકો અવસાન નોંધમાં ય એમ વિચારીને  કરકસર કરે કે ખાતર માથે દીવો ન કરાય. તેથી એકદમ નાનકડી જગ્યામાં અવસાન નોંધ આપે અને તેમાં ફલાણાના પિતા, તે ફલાણાના કાકા, તે ફલાણાના ફુઆ એવી આંટીઘૂટી રચીને આખો અડાબીડ આંબો ઉતારી આપે. અલબત્ત,આ આંબામાં ક્યારેય કેરીઓ ન આવે! બધું એવું ગીચોગીચ લખ્યું હોય કે  ગુજરી ગયેલાની નીચે લાલ પેનથી ઘાટી લીટીઓ દોરીને આખો ફકરો ફરીથી બે-ચાર વાર વાંચો ત્યારે જ મગજમાં ગડ્ય બેસે કે ગુજરી ગયા તે અચરતલાલ જ છે અને બાકીના બધા તો હજુ હયાત છે ! આમ જુઓ તો માણસ સ્વર્ગસ્થ થતાં જ અન્યો સાથેના તેનાં તમામ  સંબંધો પૂર્ણવિરામ પામે છે. તો પછી તે ફલાણાના કાકા, મામા, ફુઆ, પિતા, પુત્ર, મોટાબાપુ સાઢુ,જમાઈ કે સસરા જેવા દુન્યવી સંબંધોની અખબારી યાદી આપવાનો મતલબ શું! એટલે જ ભક્ત કવિ ધીરો ભગત કહે છે…….

'કોના છોરું ને કોના વાછરૂ રે, 
કોના માને રે બાપ; 
અંતકાળે જાવું એકલું,
સાથે પુણ્ય અને પાપ રે..
.. હેતે હરિનો રસ પીજીએ……

…. પણ  જે શાંતિથી શેરડીનો રસ પણ પીતાં નથી  તે હેતે હરિનો રસ શાના પીએ !

આવી અવસાન નોંધ વાંચીએ ત્યારે એવું લાગે કે આ તે અવસાન નોંધ છે કે મેથ્સના કૂટપ્રશ્નો!  આવા કૂટપ્રશ્નો ખરેખર તો "માથાકૂટ પ્રશ્નો" જ હોય છે. બીજગણિતના કૂટપ્રશ્નોના પ્રકરણમાં નીચે મુજબના દાખલા  આવતા હોય છે :
 'અચરતલાલને ધીરેન અને હિરેન નામના બે પુત્રો છે. ધીરેન હિરેન કરતાં ચાર વર્ષ મોટો છે અચરતલાલની ઉંમર હિરેનની ઉંમરમાં આઠ ઉમેરીને તેના બમણા કરીએ એટલી છે. અચરતલાલના વેવાઈના સાળાની દીકરી હિરેનની પત્ની છે. તે પત્નીના મોટીબા હેમકુંવરબા અચરતલાલ કરતા ઉંમરમાં અઢાર વર્ષ મોટા છે તો મૃત્યુ સમયે અચરતલાલની ઉંમર શોધો. અચરતલાલ હેમકુંવરબા કરતા કેટલા વર્ષ નાના હશે તે પણ શોધો.'
આવા દાખલા પણ મને તો અવસાન નોંધ જેવા જ લાગે.
આ પ્રકારની અવસાન નોંધ  સૌપ્રથમવાર હું નવમું ધોરણ ભણતો ત્યારે મેં વાંચેલી. પણ મને કાંઈ  જ સમજાયું નહીં. મને થયું કે જો એક જ માણસ ગુજરી ગયો હોય તો આટલા બધા નામ શા માટે? કોણ ગુજરી ગયું છે તેની મને ખબર જ ન પડી એટલે હું પડોશમાં રહેતા અને બાર સાયન્સનું મેથ્સ ભણાવતા એક વડીલ સાહેબ પાસે ગયો.ઉકેલ્યા વગરના સમીકરણ જેવા તેમના ધર્મપત્ની રસોડામાં પ્રવૃત હતા. મેં સાહેબને અવસાન નોંધ બતાવીને વિનંતી કરી કે 'આમાં કોણ ગુજરી ગયું છે તે કેવી રીતે શોધવું એ સમજાવો.' સાહેબે હાથમાં નોટબુક અને પેન  લીધી અને મને કહ્યું, 
 "સૌપ્રથમ અચરતલાલ માટે x ધારો."
મેં કહ્યું, 
" એ તો ગુજરી ગયા છે,  એટલે હવે એમના માટે કંઈ પણ ધારવું નકામું છે." 
સાહેબે  કહ્યું, ના, આમાં તો ધારવું જ પડે.એક્સપાયર્ડ થઈ ગયેલા અચરતલાલ માટે  x ધારો. ત્યારબાદ તેમના પિતા માટે y ધારો અને પુત્ર માટે z ધારો. y અને z માંથી x માઇનસ કરો તો y ની કિંમત કેટલી થાય ? આ રીતે તેમણે મને સમીકરણની રીતે આખી અવસાન નોંધ સમજાવી અને છેલ્લે કહ્યું કે આ બધામાંથી x ને માઇનસ કરો તો અંતે સાબિત થાય કે અચરતલાલ ગુજરી ગયા છે, અને મૃત્યુ સમયની તેમની ઉંમર પણ મળે. આવી કોઈ અવસાન નોંધનું સમીકરણ કઈ રીતે સોલ્વ કરવું તેની આખી ફોર્મ્યુલા તેમણે મને ભારપૂર્વક સમજાવી અને નોટબુકમાં લખી આપી. ત્યારબાદ  એ સમીકરણની ફોર્મ્યુલા મુજબ મેં અન્ય અવસાન નોંધનો ઉકેલવામાં ઉપયોગ કર્યો, ત્યારે  કોણ ઉકલી ગયું એનો ઉકેલ તો ના મળ્યો,  પણ મને બીજગણિતના સમીકરણના અઘરા દાખલા આવડી ગયા !  નવમા ધોરણમાં મને સૌથી અઘરું પ્રકરણ સમીકરણનું લાગતું હતું. પણ પાંચ સાત જણનાં 'પ્રકરણ' પુરા થયા ત્યારે તેમની અવસાન નોંધના સમીકરણ સોલ્વ કરવાની લમણાઝીંક કરવામાં મને આખું સમીકરણનું પ્રકરણ આવડી ગયું ! કહેવાનું એટલું જ કે કરેલું કશું ફોગટ જતું નથી.

માણસ મૃત્યુ પામે ત્યારે આવું બધું લખવામાં આવે છે તો જન્મે ત્યારે નીચે મુજબનું  લખવામાં કેમ આવતું નથી ?  
"યશ કિર્તીલાલ સુખ્યાતી, જન્મ તારીખ 12 /9/ 2022, ઉંમર વર્ષ સાત દિવસ ફક્ત. તે કિર્તીલાલ જશવંતરાય સુખ્યાતીના પુત્ર, તે ચિન્ટુ કીર્તીલાલ સુખ્યાતીના લઘુબંધુ, તે પરિતા કીર્તીલાલ સુખ્યાતીના નાનાભાઈ, તે ચાંદની ચમનલાલ ચાવાલા ના મામા. તા. 12/ 9/ 2022 ના રોજ વહેલી સવારે 5:00 વાગ્યે આ પૃથ્વીલોકમાં પધાર્યા છે. તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ફૂલ આવ્યું અને ફોરમ મેહકી. ઈશ્વર તારી લીલા અપરંપાર છે."

અખબાર પાસે વિવિધ પ્રકારનો વાચક વર્ગ હોય છે જેમ કે કોઈ વાર્તાઓ વાંચે, કોઈ હાસ્યલેખ, કોઈ ક્રાઈમ સ્ટોરી. પણ કેટલાક લોકો મુખ્યત્વે અવસાન નોંધના જ વાચકો હોય છે. છાપાના છેલ્લા પાને કોઈ પોતાનું સગું હોય કે ન હોય તે બધી જ અવસાન નોંધ રસપૂર્વક વાંચે છે. આવા લોકો અવસાન નોંધ વાંચ્યા પછી ભલે ગાઇવગાડીને કહેતા હોય કે 'કાલની કોને ખબર છે?'  પણ પોતે  'પરમદિવસે પાલીતાણા જવાનું પાક્કું છે'  તે આખા ગામને કહેતા હોય છે.

 ઘણા લોકોની આખી જિંદગીમાં ક્યાંય નોંધ લેવાતી નથી પરંતુ આ એક જ જગ્યા એવી છે કે જ્યાં તેમની 'સખેદ' નોંધ લેવાય છે. અફસોસ કે એ નોંધ વાંચવા માટે તેઓ હાજર હોતા નથી.  તેથી જ અમારું કહેવું છે કે જો કોઈને મળવાની તમન્ના હોય તો તેમની અવસાન નોંધ વાંચવા મળે તે પહેલા મળી લેવું. અવસાન નોંધ પછી તો રામધૂન જ સાંભળવા મળશે.

અવસાન નોંધ અને શ્રદ્ધાંજલિ થકી જે લોકો મૃતક પ્રત્યે પોતાની લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરે છે કે તેઓને કહેવાનું મન થાય કે આ બધી લાગણીઓ જો તેમની હયાતીમાં વ્યક્ત કરી હોત તો મરનારનું આયુષ્ય એટલું તો જરૂર વધ્યું જ હોત કે એ હજુ  આજે ય ગામમાં બીજાના ઓટલે બેઠો બેઠો, બીજાના છાપામાંથી, બીજાની અવસાન નોંધ વાંચતો હોત...... ને વૈરાગ્યની વાતો કરતો હોત.

નટવર પંડયા
(edited)

ટિપ્પણીઓ નથી: