30.3.23

મૃત્યુ પછી : હિન્દૂ ધર્મદર્શન



પૃથ્વી-ચક્રનું જોડાણ છુટવું


અંદાજે મૃત્યુના  ૪ થી ૫ કલાક પૂર્વે , પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે.

આ લક્ષણો એમ સૂચવે છે કે
પ્રૃથ્વી-ચક્ર જે પગના તળીયે આવેલ છે, તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે.

મ્રુત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા ઠંડા પડી જાય છે.

જ્યારે મ્રુત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.


જીવાદોરી ( Astral Cord ):

જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ.
મ્રુત્યુ નો સમય થતાં, યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે.
આ પ્રક્રિયાને જ મ્રુત્યુ કહેવાય છે.

એક વાર જીવાદોરી કપાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ ગુરૂત્વાકર્ષણથી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ કરે છે.
પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય તે શરીર ને છોડવા જલદી તૈયાર થતો નથી અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે.
મ્રુતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષનો અનુભવ કરી શકે છે.
આપણે ઘણી વાર જોઈએ છીએ કે મ્રુત્યુ થયા પછી પણ મ્રૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે.
તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મ્રુત્યુ થયું છે. તેને એમજ લાગે છે કે તે જીવંત છે.

પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે.

આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે.
તે મ્રુતશરીરની આસપાસ , જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે એ બધું જ તે આત્માને સંભળાય છે.

એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે, પરંતુ કોઈને સંભળાતુ નથી.

ધીરે ધીરે આત્માને સમજાય છે કે તેનું મ્રુત્યુ થયું છે.

તે આત્મા શરીરથી ૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવાય તથા સંભળાય છે.


સામાન્ય રીતે જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે.

આ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે કોઈની સ્મશાનયાત્રામાં સામેલ થયા હો, તે મ્રુતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો એ આત્મા સાક્ષી બને છે.

જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના શરીરને પંચમહાભૂતમાં વિલીન થતાં જોય છે, ત્યારબાદ તેને મુક્ત થયાનો અહેસાસ થાય છે.

આ ઉપરાંત તેને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જ્ઈ શકે છે.

આથી પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે.

જો, એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાનના રૂમમાં રહેશે...
જો, એમનો જીવ રુપિયામાં હશે તો તેના કબાટ નજીક રહેશે...

સાત દિવસ પછી તે આત્મા તેના કુટુંબની વિદાય લઈ, પ્રૃથ્વીની બહારના આવરણ તરફ પ્રયાણ કરે છે, જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે.

આ મ્રુત્યુલોકમાંથી પરલોકમાં જવા માટે એક ટનલમાંથી પસાર થવું પડે છે.

આજ કારણસર કહેવાય છે કે મ્રુત્યુ પછીના ૧૨ દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે.

મ્રુતકના સગાં સંબંધીઓએ તેની પાછળ   ક્ષમા-પ્રાથૅના, ૧૨માં અથવા ૧૩માં ની શાસ્ત્રોક્ત વિધિ , પીઙદાન ઇત્યાદિ  કરવાની જરૂર એટલે હોય છે કે  જેથી તે આત્મા , કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા ,રાગ, દ્વેષ, વગેરે પોતાની સાથે ન લઈ જાય.

તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ હશે તો તે તેમની ઉધ્વૅગતિમાં મદદરૂપ થશે.

મ્રુત્યુલોકથી શરૂ થતી ટનલના અંતે  દિવ્ય-તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે.


પૂર્વજો સાથે મિલન:


જ્યારે ૧૧માં, ૧૨માંની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિત્રુઓને , સ્વગૅવાસિ મીત્રોને તથા સ્વગૅસ્થ સગાઓને મળે છે.
આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે કેવી રીતે ગળે મળીએ તેવું જ અહીં મિલન થાય છે.

ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે.

તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.


મ્રુત્યુલોકના જીવનની સમીક્ષા:


અહીં કોઈ ન્યાયકર્તા કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી.

જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણમાં પોતાના પ્રૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે. જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે.

ગત્- જીવનમાં જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે.

પોતે કરેલ ખરાબ કર્મો માટે અપરાધભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે અને તે બદલ પશ્ચાતાપ રુપે હવે પછીના જન્મમાં શિક્ષા ભોગવાનુ માંગી શકે છે.

અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકાર થી મુક્ત છે. આ જ કારણસર દેવલોકમાં સ્વિકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે.

ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો -કરાર
( બ્લુ-પ્રીન્ટ) બનાવે છે.

આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે.

હકીકતમાં જીવ પોતેજ ઝીણામાં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા - નરસા અનુભવો, વગેરે ..પોતે જ  નક્કી કરે છે.


દાખલા તરીકે:


કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશી ને માથામાં પથ્થર મારી ને હત્યા કરી હતી. આ ઘટના ના પશ્ચાતાપ રુપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવાનું નક્કી કરે છે. તેના ભાગરુપે તે આખી જીંદગી માથાનો એવો અસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.


આગલા જીવનનો કરાર (બ્લુ-પ્રીન્ટ):


દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે , તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવને આધારીત જ હોયછે.

જો જીવનો સ્વભાવ વેરઝેરયુક્ત હોય તો તેનામાં બદલાની ભાવના પ્રબળ હશે.

જેટલી તીવ્રતાની ભાવના હશે તે પ્રમાણે ભોગવવું પડશે.

આજ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે અથવા આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે, નહીં તો વેરભાવ ચૂકવવા માટે જન્મો જન્મની પીડા ભોગવવી પડશે.

એકવાર જીવ પોતાના આગામી જન્મના કરારની બ્લુ-પ્રિન્ટ નક્કી કરે છે , ત્યારબાદ  વિશ્રાન્તિનો સમય હોય છે.

દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાન્તિ નક્કી થાય છે.


પુનર્જન્મ


દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે, પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લે છે.

દરેક જીવને પોતાના માતાપિતા પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે.
જીવ અંડકોષના મિલન દરમ્યાન, ૪થા- ૫માં મહીને અથવા પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે.

આ બ્રહ્માંડ પણ એવું વિકસિત અને સંપૂર્ણ છે કે જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય તેની જ બ્લુ-પ્રીન્ટ નીકળશે.

દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે અને જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વમાં જ ન હતો.

દરેક જીવ, દેવલોકમાં જે કરાર કરીને તેને બધ્ધ થઈને અહીં મ્રુત્યુલોકમાં જન્મે છે,  તે કરાર જ તે  ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ ગ્રહો તથા ભગવાનને દે છે.

આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ (સારી અથવા વિષમ), તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલ છે.


આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ , માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરે ની પસંદગી પણ આપણે જ કરેલ છે.

આપણા જીવન રુપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ.

એક વાત ધ્યાનમાં રાખો :  આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે જે રોલ આપણે લખ્યો છે, તો પછી આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ?


શું   મૃત્યુ  બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે?

મ્રુત્યુ બાદ આપણાં સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.
ગતિ એટલે આત્માએ મ્રુત્યુલોકથી પરલોકમાં પ્રયાણ કરવું.

જો ગતિ ન થાય તો જીવ પ્રુથ્વીલોકમાં જ અટકી જાય છે.

ઘણી વાર એવું પણ બને છે કે જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય, અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય, આપઘાત કર્યો હોય, કોઈ નજીકની વ્યક્તિમાં જીવ રહી ગયો હોય અથવા જીવાત્માની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય ,અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પ્રૃથ્વીલોકમાં રહેવું છે...


આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે.


પરંતુ મ્રુત્યુ બાદ દરેક જીવાત્મા એ ૧૨ દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે, ત્યારબાદ તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી અને પ્રૃથ્વી ઉપર પ્રેતયોનીમાં અધવચ્ચે રહી જાય છે.

આમ તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું.

આજ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ,
ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે જેથી સદ્ગત્ આત્માની ગતિ થાય.

અત્યારના સમયમાં નવી પેઢીને આ બધા રીતીરિવાજો , માન્યતાઓ જૂનવાણી લાગે છે અને પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી.

આને લીધે ઘણાં જીવાત્માઓ અહીં પ્રૃથ્વી લોકમાં અટકી ગયા છે અને તેઓની ગતિ થતી નથી.

દરેક પરિવારે તેમના સ્વજનોના સદ્ ગત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયાવિધિની ઉપેક્ષા કદી કરવી નહીં.

જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે, તેમણે કદી દુઃખી થવું નહીં, આત્માનુ કદી મ્રુત્યુ નથી થતું.


સમય આવતાં આપણે સ્વજનો ને મળવાનાં જ છીએ.





હું કોણ છું ખબર નથી....(મેહુલ પટેલ 'ઈશ')

સંતાપ ના તમા કોઈ, કંઈ પણ ફિકર નથી,
ધબકી રહ્યો છું તે છતાં હોવાથી મુક્ત છું.


ઓળખ ના પૂછશો મને, આપી નહિ શકીશ,
હું કોણ છું ખબર નથી, મારાથી ગુપ્ત છું.


ઉંમરનો તાગ તો ભલા મળવો કઠીન છે,
વરસોથી બાળ છું અને સદીઓથી પુખ્ત છું.


– મેહુલ પટેલ ‘ઈશ’

29.3.23

સંગીતપ્રેમી 'ફેવિકોલ' (તારક મહેતા)




દસ વર્ષ પહેલાં એણે પહેલી વાર ફોન કરેલો. ‘હલ્લો.... તારકભાઈ?'
’જી‘
'હું પ્રબોધ... ઇન્દુબહેન મને ઓળખે. મારાં સરિતામામીનાં બહેન થાય. તારકભાઈ, હું તમારો ફેન છું. તમને યાદ હોય તો મેં તમને કાગળ લખેલો, અમદાવાદ આવો તો મળજો. વિનોદે તમને કહ્યું નથી?’

‘કોણ વિનોદ?’
‘વિનોદ ભટ્ટ.... તમારા ફ્રેન્ડ. કાલે એ પણ તમને મળશે.’
‘ક્યાં?’
‘આપણે ધેર. કાલે ખાસ તમારે આવવાનું છે - ઇન્દુબહેનની સાથે. કાલે આપણી વરસગાંઠ છે. દર વરસની પેઠે. જલસો. દિલીપભાઈ પણ ગાવાના છે.’
‘દિલીપભાઈ?’
‘આંખનો અફીણીવાળા. આપણા ખાસ, હોં! રજનીકુમાર તો સામેથી ફોન કરીને કહી દે છે, પ્રબોધ, હું આવવાનો છું. પ્રિયકાંત પરીખ, રતિલાલ બોરીસાગર, અશોક દવે.... બકુલભાઈ અમેરિકા ગયા છે નહીં તો એ તો હોય જ. આપણને સંગીતનો, સાહિત્યનો બહુ શોખ. એ તો કાલે સાંજે તમે આવશો ત્યારે તમને મારી કેસેટોનું કલેકશન દેખાડીશ. જમવાનું આપણે ત્યાં જ છે. સાત વાગે આવી જજો.’

‘ક્યાં પણ?’
પ્રબોધે મને એના ફલેટનું સરનામું લખાવ્યું. ફોન ઉપર એ જેટલાં નામો બોલી ગયો એમાંના કોઈને મેં ફોન કરીને પૂછ્યું નહીં. બધા બીજે દિવસે મળવાના જ હતા ને! પત્નીને ખબર નહોતી કે બનેવીના ભાણાને આવા બધા શોખ છે અને આવા નામાંકિત મિત્રો છે.

બીજે દિવસે રિક્ષા કરી મારા સ્વભાવ પ્રમાણે સાતના ટકોરે સજોડે અમે પહોંચી ગયાં. પ્રબોધે ઘોઘરા ઘાંટે ‘આવો... આવો.... તારકભાઈ, આવો.. ઇન્દુબહેન.’ અવાજો કરી આખું બિલ્ડિંગ ગજવી મૂક્યું.‘દિલીપભાઈ તો મુંબઈ ગયા છે પણ બીજા બધા આવતા જ હશે. બધાને કહી દીધું છે, તારકભાઈ આવવાના છે. ત્યાં સુધી આપણે કેસેટો સાંભળીએ. બેસો.’
દીવાનખાનામાં એણે ફર્નિચર ખસેડી શેતંરજીઓ પાથરી હતી.

‘આ મારી ફેવરિટ કેસેટ છે. એક વાર રફીસાહેબની બર્થ-ડેના દિવસે હું મુંબઈમાં હતો. એવો ચાન્સ હું છોડું? પહોંચી ગયો એમને બંગલે ફૂલનો ગુરછો લઈને. એમનાં બધાં સોંગ્ઝ મેં યાદ કરાવ્યાં. એ તો એવા ખુશ થઈ ગયા, મને ભેટી પડયા. મને કહે, ફેમિલી સાથે જમીને જ જવાનું છે. પછી તો એમણે દિલથી મારે માટે એમનાં હોટ સોન્ગ્ઝ ગાયાં. જમ્યા પછી આ કેસેટ ભેટ આપી. રફીસાહેબ જોડે એવી દોસ્તી થઈ ગયેલી, મહિનામાં એકાદ ફોન કરીને પૂછે, પ્રબોધ, બમ્બઈ કબ આતે હો. એક વાર તો એક રેકોર્ડિંગ માટે મને ટિકિટ મોકલી ખાસ બોલાવેલો...’

રફીની કેસેટને બદલે પ્રબોધની ઘોઘરી કેસેટ જ ચાલતી રહી. મિત્ર લેખકો કોઈ ફરકયા નહીં. બધાને એણે રફીની કહાની વારંવાર સંભળાવી હશે અથવા તો કદાચ ‘તારકભાઈ આવવાના છે’ એમ બધાંને ખબર પડી ગઈ એ કારણ હશે. હા, બેચાર સગાં, બેચાર પાડોશીઓ અને અંગત મિત્રો આવ્યા.

જલસા વગરનો જમણવાર પતાવી અમે નાસી આવ્યા. બસ એ દિવસથી એ ફેવિકોલ મને ફોન પર ચીટકે છે. જાહેર કાર્યક્રમોમાં અણધાર્યોપકડે છે અને ઊંચા ઘોઘરા અવાજે ધ્રાસકો પાડે છે.

‘ક્યારનો તમને ખોળતો’તો.’ એક વાર કોઈ નાતીલાનાં બેસણાંમાં બરાડીને મારું ઊઠમણું કરી નાખ્યું. મેં એને કહી દીધું, મને સંગીતમાં જરાય રસ નથી તો પણ રફીસાહેબની દાસ્તાન છોડતો નથી. મને પાકો વહેમ છે કે મોહમ્મદ
રફીના અકાળે અવસાન બદલ પ્રબોધ જ જવાબદાર હશે. કોઈક જાહેર કાર્યક્રમમાં ઘોઘરા ઘાંટે રફીના કાનમાં બોલ્યો હશે, ‘રફીસાહેબ, ક્યારનો તમને જ ખોળું છું.’ બસ, ત્યાં જ ખેલ ખલાસ થઈ ગયો હશે.

મને તો એનો ભય પેસી ગયો છે. એમ તો મને ઘણા ચીટકુઓ મળ્યા છે પણ આવા કર્કશ અવાજવાળો સંગીતપ્રેમી ફેવિકોલ મળ્યો નથી. કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપતાં પહેલાં હું ચારે બાજુ જોઈ લઉં છું. નાતીલાના લગ્નપ્રસંગો અને બેસણાંઓમાં જવાનું ટાળું છું. પત્નીને કહી દીધું છે, તારાં સગાંને તું સંભાળ. એને માટે હું ઘરમાં નથી અને મારા બગીચાનું સરનામું પણ આપતી નહીં. ટીવી પર રફીનું ગીત આવે છે ત્યારે હું ટીવી પણ બંધ કરી દઉં છું. કર્કશ લાગે છે.

બાવાનો બગીચો ,તારક મહેતા






ઘડપણ કેણે મોકલ્યું? (ચી.ના.પટેલ)

ઘડપણ કેણે મોકલ્યું ?’

ચી. ના. પટેલ
(ચીમનલાલ નારણદાસ પટેલ) 

'આત્મ ચરીત્રાત્મક નિબંધ સંચય ' પુસ્તકમાંથી

ઘડપણ કેણે મોકલ્યું ?' નામનું કાવ્ય આપણા આદિ ભક્તકવિ નરસિંહ  મહેતાએ લખેલું હોવાનું મનાયું છે. તેમાં તેમણે વૃદ્ધાવસ્થાની લાચાર દશાનું જરા રમૂજી ચિત્ર દોર્યું છે, અને ઉપદેશ આપ્યો છે કે બધાને એવું ઘડપણ આવવાનું છે,  માટે અહંકાર ત્યજી ધર્મનો આશ્રય લો અને ભવસાગર તરી જાઓ. શ્રદ્ધાળુને આવો ઉપદેશ ગમી જાય છે, પણ ધર્મશ્રદ્ધાના દૃઢ સંસ્કાર વિનાના મારા મનને તેનો અણગમો છે. શાળામાં સંસ્કૃત ભણતાં શંકરાચાર્યે રચેલા મનાતા ભજ ગોવિંદમના શ્લોક વાંચ્યા હતા. તેમાં પણ વૃદ્ધાવસ્થામાં શરીરની વિરૂપતાનું ચિત્ર હતું, અને તે શ્લોક મને બિલકુલ નહોતા ગમ્યા.

મને થાય છે, સામાન્ય લોકોને ઘડપણની બીક લાગે તે સમજી શકાય, પણ નરસિંહ મહેતા જેવા ભક્ત-શિરોમણિને કે શંકરાચાર્ય જેવા અદ્વૈતજ્ઞાનીને પણ એવો ભય થાય ? નરસિંહને શ્રીકૃષ્ણનું સાક્ષાત્ દર્શન થયું હોવાનું મનાય છે, અને શંકરાચાર્યને માયાની નાશવંત સૃષ્ટિની પાછળ રહેલા અનાદિ, અનંત અવિનાશી બ્રહ્મતત્ત્વનું જ્ઞાન થયું હતું. એવા ભક્ત ને એવા જ્ઞાની, યુવાની ને વૃદ્ધાવસ્થા વચ્ચે ભેદ અનુભવે ? એમ માનીએ કે એમને પોતાને એવો ભય નહોતો થયો, પણ સંસારીઓને વૈરાગ્યનો ઉપદેશ આપવા એમણે ઘડપણની નિર્બળતા ને વિરૂપતાનું એવું ચિત્ર દોર્યું. તો એવી રીતે ભયથી કેળવાયેલો વૈરાગ્ય સાચો વૈરાગ્ય ગણાય ? એવો વૈરાગ્ય કેટલી ટકે ? એમાંથી સાચી ઈશ્વરભક્તિ પ્રગટે ?

એ જે હો તે, મને પોતાને ઘડપણ આવ્યું તે પહેલાં તે આવશે એવી બીક ક્યારેય લાગી નહોતી, અને આજે આવ્યું છે ત્યારે પણ એનો જરાય રંજ નથી. ઉંમર પાંસઠ છે, પણ છેલ્લાં અઢાર વર્ષથી શરીરમાં ઘડપણની નિર્બળતા આવી ગઈ છે. પહેલી વાર જોનારને એંશી ઉપર ઉંમર લાગે. ખાવાપીવાની ખૂબ તકલીફ છે. લાકડી વિના ક્યાંય ઘર બહાર જઈ શકાતું નથી. ચાલતાં શરીર ડોલે છે. એક દિવસ કોઈ અમેરિકન મિત્રની સાથે રસ્તા ઉપર ચાલતાં મને એમ ડોલતો જોઈને એ અમેરિકનને લાગ્યું હતું કે મને કંઈ થતું હશે. તેણે પૂછ્યું, 'મિ. પટેલ, તમારું શરીર સારું નથી લાગતું, ઘેર મૂકી જાઉં ?' બસમાં બેસું છું ત્યારે કોઈ કોઈ ભાઈબહેનો મારી સામે જોઈ રહે છે, શું વિચારતાં હશે? પણ શરીરની એવી સ્થિતિ છે તોય હજુ જીવવાનો કંટાળો નથી આવતો. મરણની બીક નથી લાગતી, જ્યારે આવે ત્યારે જવા તૈયાર છું, પણ જવાની ઉતાવળ નથી. હું   જ્ઞાની કે ભક્ત કે યોગી નથી, છતાં મન આમ શરીરથી સ્વતંત્ર થઈ ગયું છે. વિચાર આવે છે, આનું શું કારણ હશે ?

કોઈ મિત્રો કહે છે કે એ મારા અસાધારણ સંકલ્પબળની સિદ્ધિ છે. પણ તે સત્ય નથી. જિંદગીમાં મેં દૃઢ મનોબળથી કંઈ કર્યું નથી. મેં ક્યારેય કોઈ વાત કે નિયમ પાળવાનો પ્રયત્ન નથી કર્યો. શરીરને અનુકૂળ ન હોય એવી વસ્તુઓ સામાન્ય રીતે ખાતોપીતો નથી, પરંતુ તે માટે પ્રયત્નપૂર્વક સંયમ રાખવાની જરૂર નથી પડતી; ઊલટું, કોઈ વાર મન થઈ જાય તો એવી ચીજવસ્તુ ખાઈ કે પી લઉં છું, અને પરિણામે તકલીફ પડે તે સહન કરી લઉં છું. દારૂમાંસ વિશે સામાન્ય હિંદુ સંસ્કારની મર્યાદા પાળી છે, પણ તે સ્વાભાવિક રીતે જ, તેને માટે પ્રયત્ન નથી કરવો પડ્યો. કૉલેજમાં અભ્યાસ કરતો ત્યારે હૉસ્ટેલમાં મારો રૂમસાથી એક પારસી વિદ્યાર્થી હતો. બહુ સરળ સ્વભાવનો તે સજ્જન હતો. તે પોતે એવું ખાતો કે પીતો. મને તેની ન સૂગ થતી કે ન તેની સાથે જોડાવાની લાલચ થતી. કૉલેજમાં પહેરવેશ એ સમયની રીત પ્રમાણે અધકચરો દેશી રાખતો - લેંઘો, ખમીસ ને હાફકોટ, પણ એવા વેશમાં રસથી દરરોજ એક-બે કલાક ટેનિસ રમતો, ઇચ્છા થાય ત્યારે સિનેમા જોવા જતો, ક્યારેક દર અઠવાડિયે. અંગ્રેજી ચિત્રો પણ જોતો. પત્તાંની રમતમાં બ્રિજ શીખવાનો પ્રયત્ન કરેલો પણ પૈસા સાથે રમવાની ક્યારેય લાલચ નહોતી થઈ. અભ્યાસમાં નિયમિત રહેતો, પણ તેનો માથા ઉપર કશો ભાર ન રહેતો. બેત્રણ પ્રસંગોએ વાર્ષિક પરીક્ષાના બે દિવસ અગાઉ જ સિનેમા જોવા ગયેલો. એમ.એ.ની પરીક્ષા આપવા મુંબઈ ગયો હતો ત્યારે એલ્ફિન્સ્ટન કૉલેજની હૉસ્ટેલમાં રહેતો. પરીક્ષાના દિવસો દરમિયાન સવારસાંજ કશું વાંચતો નહિ, એટલે બાજુની રૂમમાં કર્ણાટકથી પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીઓ રહેલા તેમને લાગેલું કે મને પરીક્ષામાં પાસ થવાની કંઈ ઉત્સુકતા નહોતી.

એટલે વૃદ્ધાવસ્થાની નિર્બળતામાં હું પ્રમાણમાં માનસિક સ્વસ્થતા ભોગવું છું તેનું કારણ મારામાં સંકલ્પબળની વિશેષતા છે એમ નથી. તો શું હશે ? વિચાર કરતાં મને લાગે છે કે મારામાં બાળક-સ્વભાવનું એક સારું લક્ષણ રહ્યું છે. એટલે કે, સાદી ભાષામાં, હું બાળક જેવો છું, અને ઘરડો થયો છે તોય એવો જ રહ્યો છું. (અંગ્રેજીમાં ઘડપણને બીજું બાળપણ કહે છે, પણ એ અર્થમાં નહિ.) બાળક-સ્વભાવનું સારું લક્ષણ એ છે કે બાળક પોતાના રસની વસ્તુને આગ્રહપૂર્વક વળગી રહેતું નથી. એક રમકડું ન મળે કે ખોવાઈ જાય કે ભાંગી જાય તો થોડી વાર રડે, પણ પછી બીજું મળે એટલે પહેલું ભૂલી જાય. મારા સ્વભાવમાં પણ એવું કંઈક છે. ગમી ગયેલી કોઈ વસ્તુ જાય, તો તેનું દુઃખ થાય, પણ પછી બીજી વસ્તુના રસમાં હું એ દુઃખ ભૂલી જાઉં છું. પરિણામ એ આવ્યું છે કે સમયના પ્રવાહની સાથે મારામાં નવા રસ જાગ્રત થતા રહ્યા છે, અને આજ સુધી એ ચાલુ રહ્યું છે.

ત્રીસેક વર્ષ ઉપર હું ગુજરાત કૉલેજમાં અંગ્રેજીનો અધ્યાપક હતો ત્યારે મનનો સંકલ્પ હતો કે શિક્ષણક્ષેત્ર નથી છોડવું. ગુજરાત કૉલેજ નથી છોડવી, અને અમદાવાદ નથી છોડવું. પણ પ્રસંગ આવ્યે મેં ત્રણે રાજીખુશીથી છોડ્યાં અને દિલ્હીમાં 'ક્લેક્ટેડ  વર્કસ ઑવ મહાત્મા ગાંધી' ની યોજનામાં ગાંધીજીનાં ગુજરાતી લખાણોનો અંગ્રેજીમાં અનુવાદ કરવા જોડાયો. કોઈ પણ અધ્યાપકને દરરોજ માત્ર અનુવાદનું જ કામ કરવાનું નીરસ લાગે. પણ થોડા જ સમયમાં ગાંધીજીમાં મને રસ પડવા માંડ્યો. શેક્સ્પિયર ને શૈલીની આસક્તિ છોડી હું ગાંધીજી પ્રત્યે કેવી રીતે આકર્ષાયો એ સાહિત્યનો કોઈ અભ્યાસી સહેલાઈથી નહિ સમજી શકે. પણ તે બન્યું, અને હું ગાંધીરસમાં ડૂબી ગયો. પણ તે એવી રીતે નહિ કે મારા બીજ રસ સુકાઈ જાય. ગાંધીજીનું કામ કરતાંયે મૂળ સંસ્કૃતમાં વાલ્મીકિ રામાયણ વાંચ્યું અને મારી કલ્પનાસૃષ્ટિમાં એક નવો રસપ્રવાહ વહેતો થયો.

ચારેક વર્ષ દિલ્હીમાં રહ્યા પછી માંદો પડ્યો એટલે અમારા ચીફ એડિટરે   સદ્ભાવથી મારી બદલી અમદાવાદ કરાવી આપી. અમદાવાદમાં ત્રણેક વર્ષ પથારીવશ રહ્યો, પણ પથારીમાં પડ્યા પડ્યા વિના કષ્ટએ   અનુવાદનું કામ કરતો રહ્યો એટલે નોકરી ચાલુ રહી. ક્યાંય બહાર જવા-આવવાનું ન બનતું તેથી કંટાળો અનુભવવાને બદલે બચતા સમયમાં મેં ગુજરાતી વાંચવાનું શરૂ કર્યું. 'સરસ્વતીચંદ્ર'ના ચારેય ભાગ સળંગ વાંચ્યા. પછી 'દર્શક'ની પ્રસિદ્ધ નવલકથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી' વાંચી અને તે ઉપર લખવાનું મન થતાં ‘સંસ્કૃતિ' માં લેખ લખી મોકલ્યો તે શ્રી ઉમાશંકરે છાપ્યો. એટલે ગુજરાતીમાં વધુ લખવાનું મન થયું. મને મારા પ્રવૃત્તિરસને એક નવું ક્ષેત્ર મળી ગયું. બેત્રણ વર્ષ પછી સાહિત્યરસને વધુ તૃપ્ત કરે એવો બીજો, સંગીતરસ, જાગ્રત થયો. એમ તો એ રસ જૂનો હતો. શાળામાં કવિતાપાઠ માટે હંમેશાં માત્ર ત્રણ જ ગુણ મળતા, પણ કૉલેજમાં જઈ સિનેમા જોતો થયો એટલે  કલકત્તાની ન્યૂ થિયેટર્સ કંપનીનાં અને પૂનાની પ્રભાત કંપનીનાં ચિત્રોમાં ગીતો આવતાં તેમાં ખૂબ રસ પડવા માંડ્યો. વર્ષો પછી રેડિયો ખરીદ્યો. તેણે કાનને શાસ્ત્રીય સંગીતનો રસ લગાડ્યો. દસેક વર્ષ ઉપર એ ૨સ વધુ તીવ્ર બન્યો. પુત્રી સાથે અમદાવાદનાં જુદાં જુદાં સંગીતમંડળોનો સભ્ય થયો અને રાત્રે ઉજાગરા કરીને એમના કાર્યક્રમોમાં હાજરી આપવા લાગ્યો. છેલ્લાં બે વર્ષથી શરીરની નિર્બળતાને કારણે તે બંધ થયું છે. પણ દરરોજ સરેરાશ બે કલાક રેડિયો ઉપર શાસ્ત્રીય સંગીત સાંભળું છું.

સાહિત્ય ને સંગીતના કળારસ વધવાની સાથે માનવસંબંધોનો જૂનો રસ એટલા જ પ્રમાણમાં ચાલુ રહ્યો છે. મિત્રોમાં હળવામળવાનું મને એટલું ગમતું કે ગુજરાત કૉલેજમાં હતો તે વર્ષો દરમિયાન તેમાંના કોઈના ઘરે પાર્ટી જેવું હોય ત્યારે, હું કંઈ ખાઈ શકતો નહોતો તોપણ, તેઓ આગ્રહ કરીને મને બોલાવતા. હું જઈને તેમની સાથે ટેબલ ઉપર બેસી માત્ર ચા પીતો, પણ તેમની વાતોમાં પૂરા રસથી ભળતો. એમ પણ કહી શકું કે મારી હાજરીના કારણે જ વાતો સારી જામતી. આજે પણ જૂના કે નવા મિત્રોમાંથી કોઈ મળવા આવે છે, કે હું તેમને મળવા જોઉં છું, ત્યારે તેમની સાથે વાતો કરવામાં કેટલો સમય જાય છે તેનું ધ્યાન નથી રહેતું. મિત્રોની  જેમ ઘરમાં પૌત્ર-પુત્રી પણ મારા જીવનરસને વહેતો રાખવામાં સારો ફાળો આપી રહ્યાં છે. છેલ્લાં સાત વર્ષથી તેમની સાથે પહેલાં પૌત્રી ને પછી પૌત્ર સાથે રમવામાં, વાતો કરવામાં, લડવા-ઝઘડવામાં, તેમને ફરવા લઈ જવામાં, દરરોજના બેત્રણ કલાક ગયા છે. હવે તે મારાથી જરા છૂટાં થયાં છે, પણ હજુ તેમણે દાદાને તેમની માયામાંથી મુક્ત કર્યા નથી.

આવા સ્વભાવને ‘ઘડપણ કેણે મોકલ્યું ?'નો વૈરાગ્ય કેમ ગમે ? ભલે ઘડપણ આવ્યું અને ચાલવાનું હોય ત્યાં સુધી ચાલે. એક પ્રખ્યાત ગ્રીક ઉક્તિ છે, Call no man happy till he is dead. એટલે કે કોઈ વ્યક્તિ આજે ગમે તેટલી સુખી હોય, તે જીવતી છે ત્યાં સુધી ક્યારે તેના ઉપર અણધારી આપત્તિ આવશે તે કહી ન શકાય. એ ન્યાયે કોઈ માણસ જીવનમાં અંત સુધી પોતે આજે છે તેમ સુખી રહેવાની આશા ન રાખી શકે; પણ ભવિષ્યમાં જે થવાનું હોય તે થાય. આજે તો મારા મનમાં રવીન્દ્રનાથ ઠાકુરની અંગ્રેજી 'ગીતાંજલિ'ના એક કાવ્યની પંક્તિ રમી રહે છે ઃ When I go from hence, let this be my parting word, that what I have seen is unsurpassable.

કોઈને પ્રશ્ન થશે કે જેને મારા જેવા સ્વભાવની બક્ષિસ ન મળી હોય તે વૃદ્ધાવસ્થામાં કેવી રીતે સુખથી અથવા સંતોષપૂર્વક જીવી શકે ? એ પ્રશ્નના ઉત્તરરૂપે ઉપદેશ આપવાનો મારો અધિકાર નથી, પણ મને લાગે છે કે આપણી પ્રાચીન જીવનષ્ટિથી તેનો ઉત્તર મળી રહે તેમ છે. એ દૃષ્ટિએ વાનપ્રસ્થાશ્રમનું મોટું ગૌરવ કર્યું હતું. એ શબ્દનો પછી સંકુચિત અર્થ થઈ ગયો. વાનપ્રસ્થ થવું એટલે ઘરબાર છોડી વનમાં જઈ વસવું અને આત્મજ્ઞાનની સાધનામાં પ્રવૃત્ત થવું, પણ એ હવે શક્ય નથી રહ્યું. અને શક્ય હોય તોપણ ઈષ્ટ નથી. આત્મજ્ઞાન માટે વૃદ્ધો સામાન્ય જીવન પ્રત્યે ઉદાસીન થઈ જાય તેથી સમાજને નુકસાન થાય. તેમ કરવાને બદલે તેઓ પોતપોતાના સ્વભાવ ને શક્તિ અનુસાર સેવાપ્રવૃત્તિઓ ખોળી લે, અને ગાંધીજી કહેતા તેમ , સેવા દ્વારા જ આત્મજ્ઞાન શોધે અથવા ઈશ્વરની ભક્તિ કરે. બીજાંનાં સુખદુઃખનો વિચાર કરવો એ વૃદ્ધાવસ્થામાં સાર્થકતા અનુભવવાનો ઉત્તમ ઉપાય છે. એવી પારમાર્થિક દૃષ્ટિ કેળવવા માટે વૃદ્ધાવસ્થા જીવનનો શ્રેષ્ઠ કાળ છે, અને તેમાં જ એની ધન્યતા રહેલી છે. અંગ્રેજ કવિ ટેનિસન કહે છે. તેમ “Old age hath yet his honour and his toil.' વૃદ્ધાસ્થામાં પણ પુરુષાર્થ માટે અને પુરુષાર્થના ગૌરવ માટે અવકાશ છે. મેં પોતે એવો પુરુષાર્થ નથી કર્યો, પણ કોઈને કરતાં જોઉં તો મને એવાં સ્રીપુરુષને આદરથી નમસ્કાર કરવાનું મન થઈ જાય. વલ્લભવિદ્યાનગરના ચારુતર વિદ્યામંડળમાં મને એવું જીવન જીવતા એક વડીલનો પરિચય થયો હતો. એમનું નામ હીરાલાલ દેસાઈ. એમના વ્યક્તિત્વની સુવાસ હજુ મારી સ્મૃતિમાં રહી ગઈ છે.

[મારી વિસ્મયકથા]